અમદાવાદઃ નિરમા જૂથ પોતાના વલણમાં વૈવિધ્યતા બનાવતાં હોસ્પિટાલિટી સેક્ટરમાં પ્રવેશ કરી રહ્યું છે. આ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ફાઇવસ્ટાર હોટેલની સ્થાપના કરાશે. આ પ્રસ્તાવિત હોટેલમાં 555 રૂમ હશે. અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે (એસ.જી. હાઈવે) ખાતે આ લકઝરી હોટેલનું નિર્માણ કરાશે. આ વિસ્તાર અમદાવાદના સૌથી ઝડપથી વિકસતા કોમર્શિયલ કોરિડોર પૈકી એક છે. આ મામલે નિરમા જૂથની આંતરરાષ્ટ્રીય હોટેલ સંચાલકો સાથે વાતચીત ચાલી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ-2030 પહેલાં આ હોટેલની સ્થાપના કરાય તેવી શક્યતા છે. રૂ. 12,207 કરોડની મૂડી ધરાવતું નિરમા જૂથ ડિટર્જેન્ટ, સાબુ, સોડા એશ, કોસ્ટિક સોડા, સિમેન્ટ અને હેલ્થકેર વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
નિરમા જૂથે બજારના અપર સ્કેલ લોકો માટે ફાઇવસ્ટાર હોટેલ બનાવવા પર્યાવરણીય મંજૂરી માગતી અરજી દાખલ કરી છે. પ્રસ્તાવિત હોટેલ માટે નિરમા જૂથે ગ્રૂપ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (આઇએચસીએલ), હયાત હોટેલ્સ અને મેરિયટ ઇન્ટરનેશનલ સહિત અનેક બહુરાષ્ટ્રીય હોટેલ ઓપરેટરો સાથે વાટાઘાટો હાથ ધરી છે. આ હોટેલ 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં કાર્યરત્ થવાની અપેક્ષા છે, જે વૈશ્વિક ઇવેન્ટ્સ અને સતત કોર્પોરેટ મુસાફરીને કારણે પ્રીમિયમ રહેઠાણની વધતી માગનો લાભ પ્રોજેક્ટને આપશે એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
નિરમા જૂથ દ્વારા હોટેલ નિર્માણનું આયોજન એવા સમયે હાથ ધરાયું છે, જયારે અમદાવાદનું આતિથ્ય બજાર માળખાકીય પરિવર્તનથી પસાર થઈ રહ્યું છે. એટલું જ નહીં અમદાવાદ પશ્ચિમ ભારતમાં વધુ સક્રિય હોટેલ રોકાણ સ્થળ તરીકે ઊભરી રહ્યું છે.

